શબ્દો સમજાય
અને ન વાગે,
એ બહુ જરૂરી છે.
સંબંધ સચવાય
અને મન ન કચવાય,
એ બહુ જરૂરી છે.
નીકળી જાઉં હું ગમે
તેટલું આગળ
સત્યની શોધમાં,
સમય રહેતા પાછું
વળાય;
એ બહુ જરૂરી છે.
લંબાઈ માપીને શું કરીશું આ જિંદગીની?
દુ:ખના દિવસો જલ્દીથી, સુખના ધીરે-ધીરે જાય,
એ બહુ જરૂરી છે.
અંતે ભળી જવાનું છે રાખમાં એ જાણતો હોવા છતાંય દોડે જાઉં છું,
કારણ કે દીપક બુજાય એ પહેલા ઝળહળી જવાય,
એ બહુ જરૂરી છે.
મિત્રતાનું ક્ષેત્રફળ માપવાનું સમીકરણ અલગ પણ હોઈ શકે,
લંબાઈ અને પહોળાઈ માપવામાં, ઊંડાઈ વિસરાઈ ન જાય,
એ બહુ જરૂરી છે.
સંવાદ સર્જાય કે નહિ
એ અગત્યનું નથી,
એક-મેક ને જોઈ ને
આંખો ચમકી જાય,
એ બહુ જરૂરી છે.
એકરાર થાય- ન થાય,
એ મળે- ના મળે,
ને છતાંય- શ્વાસમાં
પહેલો પ્રેમ છલકાય,
એ બહુ જરૂરી છે.
હસું-રડું,
અથડાઉં-પછડાઉં,
જાઉં ઉપર કે નીચે
પડી જાઉં,
અસ્તિત્વ થી અંત સુધી વ્યક્તિએ ઝઝુમતા રહેવું,
એ બહુ જરૂરી છે.
શબ્દો સમજાય અને
ન વાગે, એ બહુ જરૂરી છે.
સંબંધ સચવાય
અને મન ન કચવાય,
એ બહુ જરૂરી છે!