હુ ય એક પતંગ હતો

હું ય એક પતંગ હતો,
                   ઢઢ્ઢા-કમાન વગરનો,
કોઈ આવ્યું અચાનક,
                  ઢઢ્ઢા-કમાન લગાવ્યા,
કિન્ના બાંધ્યા પ્રેમથી,
                ઉડવા લાયક બનાવ્યો,
ને પછી તો ભાઈ ભાઈ,
              હુંય ખૂબ ચગ્યો આકાશે,
સૂરજને આંબવા મથ્યો,
              આજુબાજુ પતંગ કાપ્યા,
મારાથી ઉંચો કોઈના હો,
                પતંગ આ જગમાં નભે,
પણ એક દી દોર મળ્યો ભારે,
             હું કપાયો બાજુના પતંગે,
કપાયો જયાં લાગણીનો દોર,
             પછડાયો હું નીચે પીઠભેર,
લૂંટાયો લોકો દ્વારા વારંવાર,
                 છેવટે થયો ખૂબ જીર્ણ,
સંધાયો,પૂંછડાયો વારંવાર,
              અટવાયો અંતે વીજ તારે,
છટપટતો છેવટે દેહ ત્યજવા,
             જોતો ઉંચે અનંત આકાશે,
છેવટે તો હું ય હતો એક પતંગ,
             ઢઢ્ઢા-કમાન વગરનો જ ને!