1. મારે અત્યારે નવાં કપડાંની શી જરૂર છે, એવું ખોટું કહીને સંતાનો માટે નવાં કપડાં ખરીદતા રહીને…
2. પોતાને કેટલું દુઃખ થશે એ છુપાવી રાખીને સાસરે જતી દીકરીને સુખી થવાના આશીર્વાદ આપતી વખતે…
3. પોતાને બસ કે ટ્રેનમાં મિત્રો સાથે ઓફિસે જવાની બહુ મજા પડે છે, એવું કહીને દીકરાને કોલેજ જવા માટે હપ્તેથી બાઇક અપાવતી વખતે…
4. પોતાને ફિલ્મો કે નાટકો જોવાનો શોખ જ નથી એવું કહીને સંતાનોને પોકેટમની આપતા રહીને…
5. પોતાની બગડેલી તબિયત વિશે મૌન રહીને ફેમિલી માટે ઓવર ટાઈમ કરતા રહીને…
6. હોટલમાં જઈએ ત્યારે મને તો કોઈ પણ વાનગી ભાવશે એમ કહીને સંતાનના હાથમાં મેન્યુ આપીને વાનગી પસંદ કરવાનું કહીને…
7. પોતાને થાક લાગ્યો હોય કે ઊંઘ આવતી હોય એ છુપાવીને સાસરેથી આવેલી દીકરી સાથે મોડે સુધી વાતો કરીને કે પત્તાં રમતા રહીને…
8. દીકરો-વહુ અલગ રહેવા જવાની વાત કરે ત્યારે પોતાની પીડા અને વ્યથા દબાવી રાખીને એમને સંમતિ આપતી વખતે…
9. પોતાના તૂટેલા ચશ્મા હજી ખાસ્સો સમય ચાલે એવા છે, એમ કહીને સંતાનને ગોગલ્સ અપાવતી વખતે…
10. આર્થિક પરિસ્થિતિ છુપાવી રાખીને સંતાનનાં ધામધૂમથી લગ્ન કરતી વખતે…
11. દરવાજા પાછળ છુપાઈને પપ્પાને ‘હાઉ’ કહીને ડરાવતા સંતાનથી ખોટેખોટું ડરતા રહીને…
12. પોતાનો બર્થ ડે ઉજવવાની હંમેશાં ના પડે અને ફેમિલીમાં સૌનો બર્થ ડે ઉજવવા તૈયાર રહીને…
– પપ્પા, હવે અમારેય તમને, તમારી સ્ટાઈલથી એપ્રિલફુલ બનાવવા છે, થોડા ચાન્સ અમનેય આપોને !