પ્રદીપ નામ છે એનું.
દુનિયામાં જેમનાં જીવન પર વાર્તા કહી શકાય એવાં માણસો તો ઘણાં જોયાં, પરંતુ આ માણસ એવો છે કે જેની વાર્તા ક્યારેય બહાર જ ન નીકળી શકે. કદાચ આ માણસ લાંબી જીંદગી જીવી નાખે અને પછી ધરતીના પટ્ટ પરથી ગાયબ થઇ જાય તો કોઈને ખબર પણ ન પડે એટલી સામાન્ય જિંદગી. મૂંગી ગાથા. ક્યારેય કોઈને કહે નહીં, અને કહી દે તો સામેનો માણસ મૂંગો થઇ જાય એવું જીવન.
પ્રદીપ.
રાજસ્થાનના કોઈ ગામડામાં જન્મેલો છે. શરીરમાં કદાચ પોલીયો કે કોઈ અજાણી બીમારી છે એટલે પાંત્રીસેક વર્ષનો આદમી હોવા છતાં નાનકડો છોકરો લાગે. પીઠ વળી ગયેલી. ટૂંકું નાનું સુકું શરીર છે. પીઠ પર ખુંધ છે એટલે દેખાવ અસામાન્ય છે. બાળપણથી લગભગ એક જ દેખાવ છે. અવાજ એકદમ ઝીણો. તીણો. (શારીરિક દેખાવને લીધે કદાચ એને કોઈ દોસ્ત કે જીવનસાથી ન મળ્યું)
આ આદમી રાજસ્થાનનું પોતાનું અતિ ગરીબ ઘર છોડીને પંદર-સત્તર વર્ષ પહેલાં વડોદરા આવેલો. શહેરના સેફ્રોન સર્કલ પર વળાંકમાં ફૂટપાથ પર જુના અને પાઈરેટેડ કોપી કરેલાં પુસ્તકો વેચે છે. સત્તર વરસથી ફૂટપાથ પર પુસ્તકો વેચે છે. શહેરમાં ક્યાંક ઝુંપડપટ્ટીમાં ભાડાની તૂટેલી રૂમ રાખીને એકલો રહે છે. રાત્રે હાથે જમવાનું બનાવે છે. દિવસે સત્તર વર્ષથી ફૂટપાથ પર બેસીને જૂનાં પુસ્તકો વેચીને જે બસ્સો-પાંચસો રૂપિયા કમાય છે એમાંથી પોતાના પરિવારને રાજસ્થાન રૂપિયા મોકલે છે. પુસ્તકો વેચીને બહેનને પરણાવી છે.
આ માણસે પોતાની પાસે છે એ દરેક પુસ્તક વાંચેલું છે! આઈ રિપીટ : એણે પોતાની પાસે પડેલું દરેક પુસ્તક વાંચ્યું છે. રોજે પુસ્તકો પાસે બેઠોબેઠો વાંચ્યા કરે. સાંજે ઘરે જાય. રૂમમાં રાખેલાં ગેસ પર બટાકા-ડુંગળીનું શાક બનાવીને ખાય લે. રાત્રે લેમ્પ રાખીને પુસ્તક વાંચે. સુઈ જાય. આજ એની જીંદગી.
હું છ-સાત વર્ષ પહેલાં એની પાસે પુસ્તકો ખરીદવા ગયેલો. મેં પાઉલો કોએલ્હોની કોઈ બુક માંગેલી. મને એણે એ બુક સાથે બીજી આઠ-દસ બુક વાંચવા આપી. નેઈલ ગેઈમેન, સીડની શેલ્ડન, વેરોનીકા રોથ, હારુકી મુરાકામી, જેફી આર્ચર બધાં લેખકોની બેસ્ટ નવલકથાઓ વિષે એક-એક મસ્ત-મસ્ત વાતો કરી. મને માણસ એટલો ગમી ગયો કે ત્યાં જ દોસ્તી થઇ ગઈ. મારી પાસે બધી નવલકથા ખરીદવાના પૈસા ન હતા તો મને કહે : “આપ સબ બુક્સ લે જાઓ. પઢ કે વાપસ દે જાના”
વાત એની ગરીબી કે વાંચનયાત્રાની નથી. વાત આ માણસની અંદર છૂપાયેલી સારપની છે. મારા જેવા તો કેટલાયે માણસોને એણે પુસ્તકો આપી દીધેલાં હશે. કેટલાયે પુસ્તકો પાછા નહીં આવ્યા હોય. રાત્રે પુસ્તકોના થપ્પાને તાડપત્રીથી ઢાંકીને એ જતો રહે અને કેટલીયે વાર પુસ્તકો ચોરાયા છે.
ત્રણ વર્ષ પહેલાં વડોદરામાં પુર આવેલા, વિશ્વામિત્રી ગાંડી થયેલી. પ્રદીપ તો રાત્રે ઘરે હતો કારણકે વરસાદમાં એનું ભાડાનું મકાન તૂટી પડેલું. એક તાડપત્રી ઓઢીને રાતો કાઢી નાખેલી. નહીં અન્ન, નહીં અનાજ, નહીં વીજળી. હાથમાં પુસ્તક ખરું. કોઈ આવીને ખાવાનું આપી જાય તો ખાય લે.
વિશ્વામિત્રીના પૂર ઉતર્યા પછી એ પોતાના પુસ્તકો જોવા આવ્યો અને બધા જ પુસ્તકો પાણીમાં તણાઈ ગયેલાં. ખિસ્સામાં એક રૂપિયો ન હતો. કોઈ સગાવહાલાં નહીં. કોઈ મદદ કરનારું નહીં.
...પણ એ ભાઈ...આ પ્રદીપ હસતો હતો. એને દુઃખ કે આંસુડાં જલ્દી આંબતા નથી. એને હરાવી શકતાં નથી. કદાચ પ્રદીપને એમની સામે જીતવું જ નથી. એ પોતાની બાહો ફેલાવીને જે આવે એ હસતાંહસતાં સ્વીકારી લે છે. છ-છ દિવસ સુધી ભૂખ્યો સુઈ જાય છે. ભાડાનું મકાન તૂટી ગયું તો ફૂટપાથ પર સુઈ ગયો. એ પુર વખતે મને કોઈ દોસ્તનો ફોન આવેલો. કહ્યું કે પ્રદીપના બધા પુસ્તકો તણાઈ ગયા. મેં બેંગ્લોરથી પ્રદીપને ખુબ કોલ કર્યા. એનો Nokia 1100 મોબાઈલ દિવસો સુધી બંધ હતો.
વડોદરાની M.Sયુનિવર્સીટીમાંથી ઘણાં સારા વિદ્યાર્થીઓ પ્રદીપને ચહેરા કે સ્વભાવથી જાણતાં. એમને જ્યારે ખબર પડી ત્યારે એમણે વોટ્સએપમાં એકબીજાને સંપર્ક કરીને ત્રીસ હજાર રૂપિયા ભેગા કર્યા. સૌએ પોતાનાં જુના પુસ્તકો ભેગાં કરીને ફૂટપાથ પર ગોઠવ્યાં. પ્રદીપ એટલો ભોળો કે જ્યારે બધાં પુસ્તકો આપવાં આવતાં તો પણ કહેતો કે હું તમને આનું પેમેન્ટ કરી દઈશ!
હજુ આજે પણ એનાં પુસ્તકોમાં ભેજની સુગંધ આવે છે. (કારણકે એણે રસ્તા પર તણાઈ ગયેલાં કેટલાંયે ભેગા કરીને તડકે સુકવીને રાખી મૂકેલાં છે.)
એક વર્ષ પહેલાં પ્રદીપ રાજસ્થાન ગામડે ગયેલો. ત્યાં ખબર પડી કે એનાં કોઈ દૂરના કાકાનો દીકરો વીસ વર્ષનો દીકરો ખુબ હોંશિયાર હોવાં છતાં ભણવાનું મુકીને મજૂરીએ જવા લાગ્યો છે કારણકે એનાં માબાપ હવે રહ્યા નથી. પ્રદીપે એ છોકરાને દત્તક લીધો. પોતાની ભેગો વડોદરા લાવ્યો. પોતાની રૂમ પર એને સાચવ્યો. ભણાવ્યો. છોકરાને કોઈ સરકારી નોકરી મળી જાય એ માટે દિલ્લીમાં ક્લાસીસ કરવાં હતા. જે વડોદરામાં રહેતાં હશે એમને ખબર હશે કે સેફ્રોન સર્કલ પર બેંક ઓફ બરોડા છે. એ બેંકના મેનેજર વર્ષોથી પ્રદીપને જુએ. (બેંકની સામે જ પ્રદીપ બેસે છે). પ્રદીપ એ બેંકમાં ગયો અને ત્રીસ હજારની લોન માંગી. મેનેજરને ખબર હતી કે આ માણસ ત્રીસ હજાર કેમ ભેગાં કરી શકે? પણ એને એ પણ ખબર હતી કે આ વ્યક્તિ કેટલો સાચો અને સારો છે.
લોન મળી. છોકરાને ફ્લાઈટમાં બેસાડીને પ્રદીપે દિલ્હી મોકલ્યો. એનું રૂમનું ભાડું, એની ભણવાની ફી, ખાવાનું બધો ખર્ચો પ્રદીપે ભોગવ્યો. અહીં વડોદરામાં એ રોજે પાંચસો રૂપિયાના પુસ્તકો વેચે. ચાલીસ રૂપિયામાં પોતે બપોરે જમી લે. બાકીના બધા બેકમાં જઈને જમા કરાવી દે જેથી લોન પૂરી થાય! રાત્રે ન જમે. પોતે ભૂખ્યો સુઈને પેલાં છોકરાને માટે બધું જ કરે.
આ જ ગાળામાં કોરોના આવ્યો. લોકડાઉન આવ્યું. પુસ્તકોને ઢાંકીને પ્રદીપ ઘરે ગયો એ ગયો, મહિનાં સુધી ઘર બહાર નીકળી ન શક્યો. પોતાની બધી જ આવક દિલ્હી મોકલી આપેલી. ઘરમાં ગેસ ન હતો. અનાજ નહીં. માત્ર બટાકા હતાં. પ્રદીપે કાચાં બટાકા ખાઈને પણ રાતો કાઢી. કેટલાયે દિવસ સુધી રૂમના અંધકારમાં પડ્યા-પડ્યા માત્ર પુસ્તક વાંચ્યું.
...પણ એક દિવસ એ અંદરથી ભાંગી ગયો. હું હમણાં એને મળવા ગયો ત્યારે એ કહેતો હતો : “જીતેશભાઈ...મેને ઇતને સારે કિતાબ પઢ લીયે. મુજે લગતા થા કી કોઈ દુઃખ મુજે તોડ નહીં સકતા. પર લોકડાઉન મેં જબ પૂરા હપ્તા કુછ નહીં ખાયાં તો અકેલે-અકેલે મેં તૂટ ગયાં. મુજે લગા કી મેને પૂરી જીંદગી જીતના પઢા ઔર સમજા વહ સબ મુજે કામ નહીં આયા. મેં રોને લગા. પહલીબાર”
આ ચાર ફૂટના અશક્ત શરીરમાં જીવતો મહાન દિલદાર ભાયડો પહેલીવાર કદાચ જીંદગીની કાળાશ સામે ઝૂક્યો હશે. એનું નામ જ ‘પ્રદીપ’ છે, એ અંધારે દીવડાની જેમ બળતો હોય અને અચાનક અંધકાર એટલો વધી જાય કે આ દીપ હાર માની લે.
જેનો કોઈ નહીં બેલી, એનો અલ્લાહ બેલી. કોઈ પોલીસનો કર્મચારી જે કોરોનાની ડ્યુટીમાં હશે એણે ફૂટપાથ પર કેટલાયે દિવસથી પડેલાં પુસ્તકો જોયાં. એણે પ્રદીપને ખુબ મહેનત પછી શોધ્યો. એને માટે બીરયાની લઇ ગયો. એ દિવસે પ્રદીપે બીરયાની ખાધી. પોલીસનો આભાર માન્યો. અને પુસ્તક વાંચવા બેસી ગયો. પછી ઘણાં પોલીસના કર્મચારીઓએ પ્રદીપને જમવાનું પહોચાડવાનું રાખ્યું.
હમણાં થોડા દિવસ પહેલા પ્રદીપે દત્તક લીધેલા પેલાં છોકરાએ ગવર્મેન્ટની પરીક્ષા પાસ કરી. પ્રદીપને હું મળ્યો ત્યારે કેવો ખુશ હતો. મેં પૂછ્યું કે હવે તો તમારો દત્તક લીધેલો છોકરો તમારી લોન ભરી દેશે ને?
“નહીં. મેને ઉસકો બોલા હી નહીં હૈ કી મેંને ઉસકે લીયે લોન લીયા. ઉસકો મૈને બોલા હૈ કી મેરે પાસ બુક્સ બેચ કે પૈસા બહોત હૈ”
***
આવો ઘસાઈને ઉજળો થનારો માણસ. હું વડોદરામાં જોબ કરતો ત્યારે રવિવારે અને રજાના દિવસે પ્રદીપ પાસે જતો. અમે બંને પુસ્તકોની વાતો કર્યા કરીએ. પ્રદીપ બપોર વચ્ચે એક લોજમાં જમવા જાય તો એટલો સમય હું એનાં પુસ્તકો વેચી દઉં. કદાચ આ માણસની મૂંગી જીંદગીની ઊંડાઈ અને ઉંચાઈ એવી કે મને હંમેશા એમ જ થયા કરે કે કઈ રીતે આ માણસ આટલી મહાન સારપ અંદર રાખીને જીવતો હશે?
વડોદરામાં રહેતાં હો અને સેફ્રોન સર્કલ જાઓ તો પ્રદીપ પાસે જાજો. એને પૂછીને કોઈ વાંચવા લાયક પુસ્તક ખરીદજો. તમને ગમશે. માણસની મીઠી છાંયડી ગમશે. પુસ્તક પણ ગમશે. કારણકે એણે એ વાંચી નાખેલું હશે.
- Jitesh Donga