શ્રધ્ધા ની કસોટી

એક સંત વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા હતા.

લગભગ 60 વૃદ્ધોને સાચવે સ્વજનથી વિશેષ ધ્યાન રાખે. પૈસાની સતત ખેંચ છતાંય  વૃદ્ધોને કોઈ પણ બાબતની ઉણપ વર્તાવા ન દે. 

એક બપોરે મુનિમે આવીને કહ્યું ' આપણી સ્થિતી ભયંકર ખરાબ છે  આજ ભોજનની વ્યવસ્થા થાય તેમ નથી. બધાએ ભૂખ્યા રહેવું પડશે.'

સંતને જાણીને દુઃખ થયું. હજાર હાથવાળો કેવી કસોટી કરે છે ? સંસાર છોડી ભેખ ધર્યો. સમાજના સ્વજનોએ ત્યજેલા વૃદ્ધોની સેવાનો સંકલ્પ લીધો. રડતાના આંખના આંસુ લુછ્યા.    છતાંય આજે આ પરિસ્થિતિ.. 

સંતને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા. ઉપરવાળો  સવારે ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહીં. 

મેદાનમાં હરતા ફરતા આનંદિત વૃદ્ધોને તો આ વાતનો અણસાર પણ નહીં.
બાજી હરિને હાથ... 

તેમણે સાંજ પડ્યે ટેબલ પર થાળીઓ ગોઠવવાનું કહી દીધું. સાથે કહ્યું ' આજે એક થાળી વધારે રાખજો.'

મુનિમને મનમાં વિચાર થયો એક માણસ જમે તેટલું અનાજ નથી અને એક થાળી વધારે  !!!

સંતને ઈશ્વર પર અપાર શ્રદ્ધા મારો વાલો ભૂખ્યા નહીં રાખે.
જમવાનો સમય પસાર થતો હતો. ઈશ્વર પરની શ્રદ્ધાની કસોટી હતી. 

એવામાં ફોનની ઘંટડી રણકી. ' સંત વૃદ્ધાશ્રમ ? 
હું મનહર શેઠનો સચિવ બોલું છું એક વિનંતી કરવાની આજે શેઠે જન્મ દિવસ ઉજવણીનો કાર્યક્રમ ગોઠવેલ પણ તેઓશ્રીની તબિયત અચાનક બગડતાં કાર્યક્રમ રદ કરવો પડેલ છે. 
લગભગ 65 માણસની રસોઈ તૈયાર છે.
તમે કહો તો આપના આશ્રમે મોકલી દઈએ, સાથે શેઠ જન્મ દિવસની શુભેચ્છા પ્રસંગે આશ્રમને રુપિયા 25000 પણ આપવા ઇચ્છુક છે.'

સંતે મનોમન શામળિયા સમા શેઠ મનહરલાલનો આભાર વ્યક્ત કરતાં ખુશી ખુશી હા પાડી અને બધાને જમવા બેસી જવા કહ્યું.

થોડી વારમાં રસોઈ આવી ગઈ.  
કદીએ ન ચાખેલ અવનવી વાનગીઓ ખાતાં વૃદ્ધો પણ ખૂબ ખુશ હતાં. 
મુનિમને રુપિયા 25000 નો આશ્રમના નામનો ચેક મળી ગયો હતો.

બધાના જમી રહ્યે મુનિમ સંત પાસે આવીને બોલ્યા ' વંદન છે તમારી ઈશ્વર પ્રતિની શ્રદ્ધાને મને તો હતું આજે ભૂખ્યા જ સૂવું પડશે પણ રસોઈ આવી ગઈ.. પરંતુ આપે આજે એક થાળી વધુ કેમ રખાવેલ ? '

સંતે સુંદર જવાબ આપ્યો ' એ વધારાની થાળી મારા વાલા મોરલીવાળા શામળિયાની. મેં આજે કહી દીધેલ જો આજે અમે ભૂખ્યા રહ્યા તો ભલે તું જગતનો નાથ હોય શામળિયા અમારી સાથે તારે પણ ભૂખ્યા રહેવું પડશે અને મારા વાલે ભાવતા ભોજન મોકલી દીધા.'

ઈશ્વરમાં શ્રદ્ધા રાખો એ બધાનું સારું કરશે.