મહાશિવરાત્રી


 મહાશિવરાત્રિ નિમિત્તે વિશેષ....!!!આ વર્ષે મહાશિવરાત્રિ 4થી માર્ચે છે. આ વર્ષે આ દિવસે ત્રણ વર્ષ પછી ખાસ સંયોગ બન્યા છે.
એક તો એ છે કે આ વખતે શિવરાત્રિ સોમવારે છે. સોમવારનો સંબંધ ભગવાન શિવ સાથે ખાસ છે. ચંદ્રમાનો સંબંધ ભગવાન શિવ સાથે છે કારણે કે શિવે તેને મસ્તક પર ધારણ કરેલો છે. એ ઉપરાંત શ્રવણ નક્ષત્ર અને મહાશિવરાત્રિનો સંયોગ થયો છે.
મહાશિવરાત્રિના અવસર પર આ વર્ષે નક્ષત્રોમાં શ્રેષ્ઠ શ્રવણ નક્ષત્ર છે. આ નક્ષત્રનો સ્વામી ચંદ્રમા છે.આ દિવસે મહાશિવરાત્રિ પર શિવ યોગ બની રહ્યો છે. શિવ યોગમાં શિવજીની પૂજા ઉત્તમ અને શુભફળદાયી માનવામાં આવી છે. મોક્ષની ઇચ્છા રાખનારા મહાશિવરાત્રિના અવસર પર ભગવાન શિવની પૂજામાં દૂધમાં કેસર ભેળવીને  અભિષેક કરવો જોઇએ. સુખ-સમુદ્ઘિ માટે ભગવાન શિવને અખંડિત ચોખા અર્પિત કરવા જોઇએ જેનાથી આત્માને બળ મળે છે  અને તમામ ભયથી મુક્તિ મળે છે.
આ સંજોગો સિવાય પણ મહાશિવરાત્રિ પર સર્વાર્થ સિદ્ઘિ યોગ બની રહ્યો છે જે તમામ પ્રકારના શુભ કર્મોને સફળ બનાવે છે. આ અવસર પર શિવતાંડવ સ્ત્રોત, શિવ સહસ્ત્રનામનો પાઠ કલ્યાકારી સાબિત થશે. આરોગ્ય અને બાધાઓની મુક્તિ રુદ્રાભિષેક કરો તો તેના પ્રભાવથી તમારા તમામ કાર્યો સફળ થશે.
આપણા વેદોમાં ત્રણ મહાન રાત્રિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે : (૧) કાળરાત્રિ જે કાળી ચૌદસને નામે ઓળખાય છે. (૨) મોહરાત્રિ જે જન્માષ્ટમીની રાત્રિ તરીકે ઓળખાય છે. (૩) મહારાત્રિ જે મહાશિવરાત્રિ તરીકે ઓળખાય છે.
શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરિકે ઊજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.
ભગવાન શિવના ધરતી પરના અવતરણની રાત્રિ
મહાશિવરાત્રિની મધ્યરાત્રિ નિરાકાર ગણાતા શિવજીએ આકારરૂપ ધારણ કરી, જીવને મેળવી પૃથ્વી પર પધરામણી કરી. એટલે જ તો શિવરાત્રિ એ જીવ અને શિવના મિલનનું પ્રતીક ગણાયું છે.
મહામાસની કૃષ્ણપક્ષની ચૌદશની રાત્રિ મહાશિવરાત્રિ કહેવાઈ છે, જે ભગવાન શિવજીને ખૂબ જ પ્રિય છે, જેનો શિવતત્ત્વ સાથે પણ ગાઢ સબંધ છે.
મહા વદ ચૌદસને દિવસે આવતું મહાશિવરાત્રિનું વ્રત માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે. સકલ સૃષ્ટિને તે શિવત્વનો સંદેશ સુણાવે છે.
શિવ એટલે શું ?
શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ અને એ કલ્યાણકારી દેવોના દેવ મહાદેવ શિવ શંકર છે. ભગવાન શિવની આરાધના પૂજા કરવાથી સમસ્ત દુ:ખોમાંથી મુક્તિ મળે છે. સ્વાસ્થ્ય સારું રહે છે અને વ્યવસાયમાં પણ પ્રગતિ થાય છે.
ભગવાન શિવને મહાદેવ શું કામ કહેવામાં આવ્યા
વેદ પુરાણ અને સમસ્ત ધાર્મિક ગ્રંથોમાં ભગવાન શિવને મહાદેવ એટલા માટે કહેવામાં આવ્યા કે ભગવાન શિવ સમસ્ત દેવતાઓ, દૈત્યો, મનુષ્ય, નાગ, ગંધર્વ, પશુ-પક્ષી તેમજ સમસ્ત વનસ્પતિ તથા સમસ્ત જીવમાત્રના દેવ છે. એમની પૂજા આરાધના માત્રથી મંત્ર જાપથી સંપૂર્ણ સૃષ્ટિમાં અનુશાસન, શક્તિ, પ્રેમનો સંચાર થવા લાગે છે.
મહાશિવરાત્રિ વ્રતનું મહત્ત્વ
નારદસંહિતા અનુસાર જે દિવસ મહા ચૌદશની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસે જે શિવરાત્રિવ્રત કરે છે તે અનંત ફળને પ્રાપ્ત કરે છે.
શિવપુરાણની કોટિ રુદ્રસંહિતામાં બતાવાયું છે કે શિવરાત્રિનું વ્રત કરવાથી વ્યક્તિને ભોગ અને મોક્ષ એ બંને પ્રાપ્ત થાય છે. બ્રહ્મા, વિષ્ણુ તથા પાર્વતીના પ્રશ્ર્ન પર ભગવાન સદાશિવે બતાવ્યું કે શિવરાત્રિનું વ્રત કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. મોક્ષાર્થીને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર ચાર વ્રતોનું નિયમપૂર્વક પાલન કરવું જોઈએ. આ ચાર વ્રત આ પ્રમાણે છે : (૧) ભગવાન શિવની પૂજા, (ર) રુદ્રમંત્રોનો જાપ, (૩) શિવમંદિરમાં ઉપવાસ તથા (૪) કાશીમાં દેહત્યાગ. શિવપુરાણમાં મોક્ષના ચાર સનાતન માર્ગ બતાવાયા છે. આ ચારેયમાં પણ શિવરાત્રિ વ્રતનું મહત્ત્વ સવિશેષ છે.
રાત્રિ જ શા માટે ?
અન્ય દેવતાઓનું પૂજન, વ્રત વગેરે દિવસે જ હોય છે જ્યારે ભગવાન શંકરને રાત્રિ જ શાને પ્રિય થઈ અને તે પણ મહા વદ પક્ષની ચૌદશ જ શાને ? આ બાબતે વિદ્વાનો કહે છે કે ભગવાન શંકર સંહારશક્તિ અને તમોગુણના અધિષ્ઠાતા છે તેથી તમોમયી રાત્રિ સાથે તેમનો સ્નેહ (પ્રેમ) હોવો એ એક સ્વાભાવિક બાબત છે. રાત્રિ એ સંહારકાળની પ્રતિનિધિ છે, તેનું આગમન થતાં જ સર્વપ્રથમ પ્રકાશનો સંહાર, જીવોનાં દૈનિક કર્મોનો સંહાર અને અંતે નિદ્રા દ્વારા રાત્રિની ગોદમાં અચેતન થઈ છુપાઈ જાય છે. આવી દશામાં પ્રાકૃતિક દૃષ્ટિએ શિવનું રાત્રિપ્રિય હોવું એ એક સાહજિક બાબત છે. આ કારણે ભગવાન શંકરની આરાધના કેવળ રાત્રિમાં જ નહીં પરંતુ પ્રદોષ (રાત્રિના પ્રારંભનો સમય)ના સમયમાં જ કરવામાં આવે છે.
દિવસ દરમિયાન જગદાત્મા સૂર્યની સ્થિતિથી આત્મતત્ત્વની જાગરુકતાના કારણે આ તામસી શક્તિઓ પોતાનો વિશેષ પ્રભાવ પાડી શકતી નથી, પરંતુ ચંદ્રવિહીન અંધકારથી રાત્રિના આગમનથી જ તે પોતાનો પ્રભાવ દેખાડવા લાગે છે એટલા માટે પાણી આવતાં પહેલાં પાળ બાંધવામાં આવે છે. એ રીતે જ આ ચંદ્રક્ષય (અમાસ) તિથિ આવવાથી તરત જ તેના પહેલાં જ આ સંપૂર્ણ તામસી વૃત્તિઓના ઉપશમનાર્થે આ વૃત્તિઓના એકમાત્ર અધિષ્ઠાતા ભગવાન આશુતોષની આરાધના કરવાનું એક વિધાન શાસ્ત્રકારોએ કર્યું છે માટે જ વદ ચૌદશની તિથિની રાત્રિએ શિવ આરાધનાનું એક રહસ્ય છુપાયેલું રહેલું છે.
ભગવાન શિવનો કલ્યાણભાવ અને રુદ્ર સ્વભાવ
મહાશિવરાત્રીનું રહસ્ય જોઈએ તો કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે શ્રેષ્ઠતા અંગેનું વાક્યુદ્ધ થતાં તે યુદ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગ્નિ મહાલીંગ તરીકે ત્યાં સ્થાપિત થયા, જેનું મૂળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો નહોતો. ભગવાન વિષ્ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્યા, પરંતુ લીંગનો તાગ મળ્યો નહીં. આમ છતાં તેઓએ કહ્યું નહીં કે તેમને લીંગનો તાગ મળી ગયો છે.
આથી અગ્નિસ્તંભ (લીંગ)માંથી ભગવાન શંકર પ્રગટ થયા અને બ્રહ્માનું પાંચમું મુખ કાપી નાંખ્યું. આથી ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીનું પૂજન કર્યું.
ભગવાન શિવ જેટલા કલ્યાણકારી છે એટલા જ રુદ્ર સ્વભાવના પણ છે. તેઓ દુષ્ટ, દુરાચારી, વિદ્રોહીઓના મારક છે. સત્ય, સંયમ, સાત્ત્વિકતાના તારક છે. દૈત્ય સેનાના સંહારક છે. શંખ, ડમરુ, ત્રિશૂલધારક છે. ભૂતનાથ, ભૈરવાદિ રુદ્રોના પતિ અને સાધુ-જોગીઓના સ્વામી અને ભક્તોના ઉપકારક છે.
ભગવાન શંકરને અતિમાની કે અભિમાની મંજૂર નથી. તેત્રીસ કરોડ દેવતાઓને વશમાં કરનાર રાવણની ત્રણ ઇચ્છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પૂરી ન કરી હતી.
‘વૈરાગ્ય શતક’ના રચયિતા ભર્તૃહરિની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્યું ન હતું. રાજા ભર્તૃહરિ સર્વસ્વ ત્યાગીને ફકીર બન્યા, સંત બન્યા, એક પછી એક વસ્તુઓનો ત્યાગ કરતા ગયા. પરંતુ વૈરાગ્યનું અભિમાન જ્યાં સુધી રહ્યું ત્યાં સુધી ભગવાન શંકર દૂર જ રહ્યા.
ભક્તને ભક્તિનું જ્યાં સુધી અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભક્તિ, પૂજા, ઉપાસના સ્વીકાર્ય બનતાં નથી અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીન યમનિયમ છે.
શિવ અને શક્તિ
શિવ અને શક્તિ એ વિશ્ર્વનાં એવા સનાતન યુગલ છે કે જે સદીઓથી દેશની આધ્યાત્મિક પરંપરા સાથે જોડાયેલાં છે. શિવ એ જ્ઞાનસ્વરૂપ છે, તો શક્તિ એ ક્રિયાસ્વરૂપ છે. એકમાં જો એ મૂળ તત્ત્વ છે, તો બીજામાં એનો જીવનમાં વિસ્તાર છે. એક બીજ છે, તો બીજું, ધારણ કરનાર ધારક છે.
અવતારો અને દેવો પણ શિવપૂજન કરતા
સદાશિવજી મહાદેવ છે. ભારતની ભવ્ય સંસ્કૃતિમાં શિવજીનો મહિમા અનેરો છે. વૈદિક યુગથી તેનો પ્રારંભ દેખાય છે. શિવરાત્રિનું પૂજન ધર્મને વધારનારું છે. ખદ્રવાંગ રાજા દરરોજ વિધિપૂર્વક શિવજીની પૂજા કરતા હતા તેથી દેવોને સહાયક થયા હતા. તેમના પુત્ર દિલીપરાજા દરરોજ શિવપૂજન કરતા. તેમના પુત્ર રઘુરાજા પણ શિવભક્ત હતા.
તેમના પુત્ર અજરાજા ધર્મયુદ્ધ કરનારા હતા અને તેમના પુત્ર મહારાજા દશરથ તો વિશેષ કરીને શિવભકત જન્મ્યા હતા. ગુરૂશ્રી વશિષ્ટ મુનિની આ જ્ઞાનાથી પુત્ર માટે શિવરાત્રી અને શિવપૂજન કરતા તેમના આ જ કારણથી રાજા દશરથની રાણીઓ કૌશલ્યા, કૈકૈયી અને સુમિત્રા પણ શિવરાત્રી અને શિવપૂજન કરતાં.
શ્રી રામ કાયમ (દરરોજ) શિવપૂજન કરતા અને ભસ્મ તથા રૂદ્રાક્ષ ધારણ કરતા. ભગવાન શ્રી કૃષ્ણ બદરી પર્વત ઉપર સાત (૭) મહિના સુધી કાયમ શિવપૂજન કરતા તેથી શિવજી એ પ્રસન્ન થઈને આખા જગતને વશ કર્યું હતું. સૂર્ય, ચંદ્ર બંને દેવો કાયમ શિવપૂજનમાં તત્પર બની પૃથ્વી પરના વંશના પ્રવર્તક બન્યા છે.
ધ્રુવ, ઋષભ, ભરત અને નવ યોગેશ્વરો પણ શિવપૂજન કરતા મોટા. મહર્ષિઓ તો શિવનો અને શિવરાત્રિનો મહિમા જાણે છે અને અર્જુને તપ કરીને ભગવાન શંકર પાસેથી પાશુપત નામનું અષા ધનુષ્ય મેળવેલા છે એટલે ખાસ કરીને વ્રત આચરણ કરે છે. ઉપમન્યુ તો મહાન શિવભક્ત છે. સુખદેવ અને મુનિઓ સૌ શિવપૂજન કરે છે. એક ભીલનો ઇતિહાસ છે. જંગલમાં જઈ મૃગલાઓનો શિકાર કરતો. તેનાથી અજાણતાં શિવરાત્રીનું વ્રત થયુ અને ભગવાન શંકર તેને શિવલોકમાં વિમાનમાં લઈ ગયા હતા.
શિવ મહાપુરાણ : જગતને દિશા બતાવે છે
શ્રી શિવ મહાપુરાણની કથા એ ભગવાન શિવ તરફની યાત્રાનો પ્રારંભ છે. ભગવાન શિવનાં દર્શનની કથા છે. જે મન અને શરીરના રોગોને દૂર કરી શાશ્ર્વત શાંતિનો અનુભવ કરાવનાર છે. આ કથા ગાવી, કહેવી, સમજવી કે સમજાવવી અઘરી છે. આમ છતાં કોઈ સાચા સંત કે નિ:સ્પૃહી શિવભક્ત વક્તા દ્વારા સમજવામાં આવે તો જીવનના કેટલાય કોયડાઓનો ઉકેલ આવી જાય છે. શિવકથા સાંભળતા પહેલાં બુદ્ધિ અને અહંને પોતાનાથી અળગાં રાખીને સાંભળવાથી જ તેમાં સમાયેલાં તથ્યો સમજી શકાય છે. તૂટતી જતી સમાજ વ્યવસ્થાને જોડવાનો રામબાણ ઇલાજ ભગવાન શિવના ચરિત્રની કથા એટલે શ્રી શિવ મહાપુરાણની કથા છે. સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન શિવનું કુટુંબ જ એક આદર્શ કુટુંબ છે. જે કુટુંબમાં નાના મોટા સૌ કોઈ પુજાયા છે. તેઓ તો પુજાયા એટલું જ નહિ તેમનાં વાહનો પણ પુજાયાં છે.
ભગવાન શંકરના અનેક મંદિરો અને ૧૨ જ્યોર્તિંલિંગો સમગ્ર દેશમાં છે. એમાં સૌપ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ-ગુજરાતમાં આવેલું છે.
દેવી પાર્વતી પણ અનેક સ્થાનો પર પૂજાય છે. ઝારખંડમાં આવેલ વૈદ્યનાથ મંદિર શીવ અને શક્તિનાં પ્રતિક રૂપે છે. એ જ રીતે મહારાષ્ટ્રનાં સિંહગઢ જિલ્લામાં વિશાળ પાર્વતી મંદિર આવેલું છે. જ્યાં માતા પાર્વતીની ૨૬૧ ફૂટની ઊંચી પ્રતિમા છે.
ગણેશ મંદિર તો શહેરે શહેરે છે. દુંદાળા દેવ ગણપતિ વિના તો કોઈ કાર્યનો પ્રારંભ થાય જ નહીં. મુંબઈમાં વિશાળ સિદ્ધિ વિનાયક મંદિર સોળે કળાએ ખીલે છે. ગુજરાતનાં ધોળકામાં આવેલા ગણપતિ મંદિરનો મહિમા અનેરો છે.
એ જ રીતે ગણેશ ભગવાનનાં ભાઈ કાર્તિકેય પણ પૂજાય છે. મંદિરોની નગરી સિદ્ધિપુરમાં ભગવાન કાર્તિકેયનું ભારતનું એક માત્ર મંદિર પ્રખર તેજે તપી રહ્યું છે.
બધાના સ્વભાવ જુદા જુદા હોવા છતાં ભેગા થઇ કેવી રીતે રહી શકાય તેનું માર્ગદર્શન શિવજીની આ કથા આપે છે.
મહાશિવરાત્રિનો સંદેશ અને આપણો સંકલ્પ
શિવ ઉપાસના કરવા શિવ જેવા બનવું જોઈએ. શિવ જ્ઞાનના દેવ છે. ત્યાગના દેવ છે. સમર્પણના દેવ છે. તેમના મસ્તક પર ચંદ્ર વિરાજે છે. જ્ઞાનના આ સ્તોત્રમાંથી સતત જ્ઞાનગંગા વહેતી રહે છે. શિવજીની ઉપાસના કરનારો પણ જ્ઞાનપિપાસુ હોવો જોઈએ. શિવજીની જટાઓમાંથી જેમ ગંગા વહે છે તેમ જ્ઞાનપિપાસુ માણસને પણ ગમે તેવી વિટંબણાઓ જીવનના જટિલ કોયડાઓમાંથી આરપાર જવાની હિંમત રાખવી જોઈએ. શિવજી હિમાચ્છાદિત ધવલ ગિરિશૃંગ પર બિરાજે છે. એ બતાવે છે કે જ્ઞાનની બેઠક, જ્ઞાનનું વિશુદ્ધ હોવું જોઈએ, જે સૂચવે છે કે ચારિત્ર્યની શુદ્ધતા વગર જ્ઞાનપ્રાપ્તિ શક્ય નથી અને જ્ઞાનપ્રાપ્તિ નહીં તો શિવ મળે નહીં.
શિવ, કૈલાસના ઉત્તુંગ શિખરે બેઠેલા જગતના વિનાશના દેવતા આપણને સમજાવે છે કે શિવત્વ એટલે કલ્યાણને પામવા માટે જીવનની ચોક્કસ ઊંચાઈએ પહોંચવું જરૂરી છે. કલ્યાણનો માર્ગ અઘરો છે. વિટંબણાઓથી ભરેલો છે. આત્મ ઉન્નતિના માર્ગે જતા જીવને અનેક કપરાં ચઢાણો ચઢવાં પડે છે. કઠિનતમ માર્ગો પર સફર કરવી પડે છે.
શિવમંદિરમાં પ્રવેશતા પહેલાં નંદી અને કાચબાને પ્રણામ કરવાનાં હોય છે. નંદી શિવને વહન કરે છે તે આપણે જાણીએ છીએ તે રીતે આપણે પણ સાચા જ્ઞાનના વાહક બનીએ. કાચબો એ ઇન્દ્રિયનિગ્રહનું અને સંયમનું પ્રતીક છે. શિવને પામવા જીવન સંયમી હોવું જોઈએ, ગીતામાં પ્રભુ સ્થિતપ્રજ્ઞ માટે કાચબની ઉપમા આપે છે. ઇન્દ્રિયોની જાળમાંથી બહાર નીકળીએ તો જ શિવત્વ. શુભ તત્ત્વ, સાચા જ્ઞાનને પામી શકીએ એ વાત કાચબો સમજાવે છે. એ ધીમી પણ સતત સાધના શિવ સુધી લઈ જાય છે એ કાચબો બતાવે છે. શિવલિંગ પર સતત જળ ટપકાવતી જળધારી સૂચવે છે કે તેમના પર આપણે પ્રેમ જપ અને નામસાધના આમ સતત ચાલતાં રહેવાં જોઈએ.
શિવજી ભોળા શંકર કહેવાય છે. તે જેના પર પ્રસન્ન થાય તેને ભવસાગર પાર ઉતારે છે. સાચું જ્ઞાન તેના ધારકને સંસારના મોહ લોભથી દૂર લઈ જઈ સાચો રસ્તો, શિવત્વનો, આત્મકલ્યાણનો એને જીવનની ઊંચાઈએ પહોંચવાનો રસ્તો બતાવે છે. મહાશિવરાત્રિએ સાધનાનું પર્વ છે. આ પર્વ નિમિત્તે શિવ અને જીવની સાધના કરી જીવનમૂલ્યોનું રક્ષણ કરીએ એ જ સાચી ઊજવણી....ૐ શિવોહમ્....ૐ શિવોહમ્.....!!!